( ગુડ મૉર્નિંગ : ‘ન્યુઝપ્રેમી’, શનિવાર 2 ઑગસ્ટ 2025)
બધી ફિલ્મો કંઈ મનોરંજન માટે નથી હોતી. ‘કાશ્મીર ફાઈલ્સ’, ‘વૅક્સિન વૉર’, ‘રોકેટ્રી:ધ નમ્બી ઇફેક્ટ’, ‘હિસ સ્ટોરી ઑફ ઇતિહાસ’, ‘ધ કેરાલા સ્ટોરી’ કે ‘સાબરમતી રિપોર્ટ’ જેવી અનેક ફિલ્મો તમારી આંખ ઊઘાડવા માટે બનતી હોય છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ડૉ હેડગેવાર’ આવી જ એક ફિલ્મ છે.
આ દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની સ્થાપનાની શતાબ્દિ ઉજવાશે. 1925ની દશેરાએ ડૉ. કેશવ બલિરામ હેડગેવારે નાગપુરમાં સંઘની સ્થાપના કરી. ભારતની સ્વતંત્રતા માટે અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે સંઘે છેલ્લાં 100 વર્ષમાં જે કામ કર્યું છે તે કક્ષાનું અને તે ગજાનું કાર્ય અન્ય કોઈ સંગઠને નથી કર્યું.
કૉન્ગ્રેસના કેટલાક નેતાઓને કારણે તેમ જ ડાબેરીઓના પ્રચારને કારણે સંઘ વિશે તદ્દન બેપાયાદાર માહિતી તેમ જ અનેક ગેરમાન્યતાઓ ફેલાતી ગઈ. આમાંની ઘણી આ ફિલ્મને કારણે દૂર થશે. જેમ કે, કેટલાક વિચારોની બાબતમાં ભારે મતભેદ હોવા છતાં ગાંધીજીને સંઘ માટે કોઈ દ્વેષ નહોતો અને ડૉ. હેડગેવારને પણ ગાંધીજી માટે આદર હતો તે સચ્ચાઈ આ ફિલ્મ બહાર લાવે છે. સંઘ મુસ્લિમદ્વેષી નથી પણ હિંદુ સંસ્કૃતિની અને હિંદુઓની રક્ષા માટે ભારતવિરોધી તત્ત્વોનો સામનો કરવા માટે હિંદુઓને સક્ષમ બનાવવાનું કામ કરે છે તે તથ્ય પણ આ ફિલ્મ દ્વારા ગાઈબજાવીને રજૂ કરવામાં આવે છે.
ડૉ. હેડગેવારે સંઘની સ્થાપના કરી ના હોત તો આ છેલ્લાં 100 વર્ષમાં કૉન્ગ્રેસે અને ડાબેરીઓએ આ દેશને વેચી નાખ્યો હોત. આજે પાકિસ્તાન કરતાં પણ બદતર દશામાં આપણે જીવતા હોત. ડૉ. હેડગેવારે પોતાના અનુગામી ગુરુ ગોલવલકર જેવા અનેક સામાજિક અને સાંસ્કૃતિક સેનાનીઓ તૈયાર કર્યા. સંઘના સંસ્કારને કારણે શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાલ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ આડવાણીથી લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા સેંકડો-હજારો નેતા ભારતને મળ્યા અને એમના નેતૃત્વમાં સંઘના લાખો-કરોડો કાર્યકર્તાઓએ આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આજીવન કાર્ય કરીને જાત ઘસી નાખી.
આજની તારીખે પણ આતંકવાદીઓના સાથીદાર જેવા કેટલાક મુસ્લિમ નેતાઓ સંઘને નફરત કરે છે. સોનિયાકુપુત્ર રાહુલ ગાંધી અને તમામ કૉન્ગ્રેસી બિરાદરો સંઘનું નામ સાંભળતાં જ ગાળો બોલવા માંડે છે. આ સૌના મોઢે ‘ડૉ. હેડગેવાર’ ફિલ્મ એક સણસણતા તમાચા સમાન છે.
કૉન્ગ્રેસના કુશાસનમાં આવી ફિલ્મ રિલીઝ કરવાનું અશક્ય હતું. આવી ફિલ્મ બનાવવી જોઈએ એવું વિચારવાનું પણ અશક્ય હતું. કૉન્ગ્રેસ જે વારસો છોડી ગઈ છે તેનું પરિણામ આજે એ આવ્યું છે કે ગઈ કાલે, શુક્રવારે વિલે પાર્લે(પૂર્વ)ના એક થિયેટરમાં અમે પૈસા ખર્ચીને આ ફિલ્મ જોવા ગયા ત્યારે થિયેટરની બહાર પોલીસે પ્રેક્ષકોની સુરક્ષા માટે એક મોટી વાન અને ડઝનબંધ પોલીસ એફસરો-કર્મચારીઓને તહેનાત કરવા પડ્યા હતા. થિયેટરના કંપાઉન્ડમાં પોલીસ, થિયેટરની અંદર પોલીસ. હિંદુત્વનું ગૌરવ કરનારી આ ફિલ્મને અસામાજિક તત્ત્વો અભડાવે નહીં એની તકેદારી આજે પણ રાખવી પડે છે. વિચાર કરો કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં આવી દહેશતમાં ફિલ્મ રિલીઝ કરવી પડતી હોય તો એ માથાભારે તત્ત્વો કૉન્ગ્રેસના શાસનમાં તો કેવી ઉછળકૂદ કરતાં હશે. આપણે જોઈ લીધું માલેગાંવ કેસના ચુકાદામાં.
સંઘ વિશે, હિન્દુ ધર્મ વિશે, સનાતન પરંપરા વિશે તેમ જ ભારત દેશના ઈતિહાસ વિશે અંગ્રેજોના જમાનાથી ચાલી આવતી ભ્રમણાઓને કૉન્ગ્રેસના પિઠ્ઠુઓએ આઝાદી પછી વધુ ને વધુ દૃઢ કરી. સંઘની પ્રવૃત્તિમાં જોડાવાની વાત તો બાજુએ રહી, સંઘનો ઉલ્લેખ કરતાં પણ ભય લાગે એવું વાતાવરણ કૉન્ગ્રેસે સર્જ્યું હતું. ‘સંઘી’ શબ્દ એક ગાળ તરીકે વપરાતો. (અમે તો એક ટીશર્ટ પહેરીને બિન્ધાસ્ત ફોટા પડાવીએ છીએ: ‘સંઘી હોવાનું ગૌરવ છે.’)
2014 પછી વાતાવરણ બદલાયું. અગાઉ જે પ્રકારના વિષયો ફિલ્મમેકર્સ માટે અસ્પૃશ્ય ગણાતા તેના પર ફિલ્મો બનવા માંડી. આજે ‘ડૉ. હેડગેવાર’ વિશે જે ફિલ્મ બની છે તેના કરતાં અનેકગણી સારી ફિલ્મ આ જ વિષય પર જરૂર બની શકે છે અને બનશે પણ ખરી, ધીરજ રાખો. એટનબરોએ ‘ગાંધી’ નામની બિગ બજેટ ફિલ્મ બનાવી હતી. એવા ચિક્કાર નાણાં મળશે ત્યારે સારામાં સારા ફિલ્મસર્જકો ‘ડૉ.હેડગેવાર’ અને આરએસએસ વિશે, ‘ગાંધી’ કરતાં ચાર ચાસણી ચડે એવી ફિલ્મો બનાવશે.
પણ એક વાતનું ધ્યાન રાખવું કે ફિલ્મો માત્ર પૈસાથી નથી બનતી. ફિલ્મો ટેલેન્ટેડ સર્જકો વત્તા બિગ બજેટથી બનતી હોય છે. ક્યારેક બિગ બજેટ ના હોય તો માત્ર ટેલેન્ટથી પણ ઉત્તમ ફિલ્મો બનતી હોય છે અને એવા સેંકડો સુખદ અપવાદો દેશની-પરદેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે જ.
શું આ પ્રકારની રાષ્ટ્રવાદી ફિલ્મો બનાવવા માટે આપણી પાસે પૈસા નથી?પૈસા તો છે. કરોડો રૂપિયા છે. તો પછી પ્રૉબ્લેમ ક્યાં છે?
વાત નીકળી છે તો આ મુદ્દાની વિગતે ચર્ચા કરી લઈએ. ધીરજ રાખીને વાંચજો.
આઝાદી પછી નહેરુની કૃપાથી અન્ય ક્ષેત્રોની સાથે સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, નાટક-સિનેમા વગેરે ક્ષેત્રો પર પણ શિક્ષણમંત્રી ડૉ. અબુલ કલામ આઝાદના મુસ્લિમ મળતિયાઓએ અને નેહરુના કૃપાપાત્ર એવા સામ્યવાદી વિચારસરણી ધરાવતા ઘૂસપેઠિયાઓએ કબજો જમાવી દીધો. તેઓ પોતાને ‘પ્રોગ્રેસિવ’ કહેવડાવતા થઈ ગયા. તમે જો એમની સાથે ના જોડાઓ તો તમે પરંપરાવાદી કે રૂઢિવાદી ગણાઈ જાઓ એવું વાતાવરણ ઊભું થયું. આ ‘તરક્કીપસંદ’ લોકોની લૉબીને સરકાર તરફથી પુરસ્કારો, રેકગ્નિશન, માનપાન, સુવિધાઓથી માંડીને આર્થિક સહાય બધું જ મળતું. આને કારણે જે કોઈ નવા ટેલેન્ટેડ સર્જકો આવે તે હિંદુ સંસ્કારો ધરાવતા હોય તો પણ ડાબેરી ઝોકવાળી ઈકો સિસ્ટમમાં ગોઠવાઈને પોતાની કારકિર્દી બનાવવાનાં સપનાં જોતાં થઈ જતા. એમના મનમાં પોતાની સર્જકતા મહોરે એવું વાતાવરણ મળે તેની પ્રાથમિકતા રહેતી. પોતાની વિચારધારા સાથે એ તડજોડ કરી લેતા. એ જાણતા કે પોતાના સનાતન વિચારો પ્રગટ થશે તો પોતે આ સર્કલમાંથી ફેંકાઈ જશે.
જેમના માટે ખૂબ આદર થાય એવા સાહિત્યકારો, પત્રકારો, ફિલ્મ સર્જકો, નાટ્યકારો વગેરેના વિચારો ડાબેરી હોય છે તેનું ઘણું મોટું કારણ આ જ છે. લતા મંગેશકર જેવાં લતા મંગેશકર મોદીયુગ પહેલાં ગળું ખોંખારીને વીર સાવરકર સાથેના પોતાના પરિવારના ગાઢ સંબંધો વિશે બોલી શકતાં નહોતાં. મનોજ કુમાર જેવા દેશભક્તથી ભરેલી ફિલ્મો બનાવનારાએ પણ નહેરુ વગેરેની વાહવાહી કરીને માત્ર ભારતના સંસ્કારોની જ વાત કરવી પડતી, હિંદુત્વ કે સનાતન પરંપરાનાં ગુણગાન બુલંદ અવાજે ગાવાની હિંમત એમનામાં પણ નહોતી.
સૌને પોતપોતાની કારકિર્દી પ્યારી હોય, સ્વાભાવિક છે. પાછલાં બે-એક દાયકાઓમાં આપણે જોઈ લીધું કે અભિજિત, સોનુ નિગમ તેમ જ મહાન જગજિત સિંહજીએ પણ પોતાના ડાબેરીવિરોધી, સનાતનતરફી વિચારો માટે કારકિર્દીની રફતાર ધીમી પડી જાય એવા દિવસો જોવા પડ્યા.
આજની તારીખે પણ ગુજરાતી પત્રકારત્વ કે સાહિત્યમાં પ્રવેશનારી તેજસ્વી કલમો જો ડાબેરીઓના સેટઅપમાં ગોઠવાઈ ના જાય તો એમને માન-સન્માન કે ઈનામઅકરામ નથી મળતાં. અપવાદો હશે ક્યાંક, હું જનરલ એટમોસ્ફિયરની વાત કરું છું. આ જ હાલત ગુજરાતી નાટક-સિનેમાના ફિલ્ડની છે અને માત્ર ગુજરાતી જ નહીં હિન્દી, મરાઠી, તમિળ, મલયાલમ, બંગાળી વગેરે ભાષાઓમાં પણ સાહિત્યમાં અને નાટકસિનેમામાં પ્રવર્તે છે. મુંબઈમાં જેમને હું દાયકાઓથી તીર્થસ્થાનો તરીકે આદર આપું છું તે પૃથ્વી અને એનસીપીએ પણ ડાબેરી કલાકારોથી ખદબદે છે,આજની તારીખે પણ.
આવી પરિસ્થિતિમાં તમે હિંદુવાદી વિષયો પર કે ડાબેરીવિરોધી વિષયો પર પ્રોફેશનલ સ્તરે સારી ફિલ્મ, સારું નાટક બનાવવા માગતા હો તો તમને ફાઇનાન્શિયલ મદદ કદાચ મળી જાય પણ પ્રોફેશનલ ટેલન્ટ ના મળે—સારા દિગ્દર્શક, સારા સ્ક્રિપ્ટ રાઈટર, સારા અભિનેતા-અભિનેત્રી, સારી ટેક્નિકલ ટીમ પણ ના મળે. આ બધાને તમારી સાથે જોડાવાની હોંશ હોય તો ય તેઓ તમારા પ્રોજેક્ટને ચીપિયાથી પણ ના અડકે. એમને ડર હોય કે જો પોતે આવા રાષ્ટ્રવાદી પ્રોજેક્ટ માટે કામ કરવા માગે છે એવી જાહેરાત થશે તો પોતાની હાલત પણ અભિજિત-સોનુ-જગજિતજી જેવી થશે. અને એ લોકો તો ઑલરેડી નામદામ કમાઈ ચૂક્યા હતા તે છતાં એમને દયનીય પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા જ્યારે પોતે તો હજુ સ્ટ્રગલર છે અથવા નવી નવી ખ્યાતિ પામી રહ્યા છે, હજુ બે પાંદડે થયા પણ નથી, જે અચીવ કરવાની તમન્ના છે ત્યાં સુધી પહોંચવાને ઘણી વાર છે એટલે જો રસ્તામાં જ કંઈક અઘટિત થઈ ગયું તો જિંદગી ઊંધે માથે પટકાશે—આવી ભયગ્રંથિથી પીડાતા હોય છે.
પત્રકારત્વ, સાહિત્ય, ફિલ્મ-નાટક, શિક્ષણ કે અન્ય આવા ક્ષેત્રોમાં ડાબેરીઓની જડબેસલાક ઇકો સિસ્ટમથી ડર્યા વિના પોતાના બલબૂતા પર મજબૂત પાયા બનાવીને કારકિર્દી બનાવનારા બહુ ઓછા હોય છે.
માટે જ રાહ જોઈએ. અત્યારે જે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તે મોદીયુગની દેણ છે. રાતોરાત કંઈ આ છ દાયકાનો ખાર, કાટ દૂર થવાનો નથી. ‘સાબરમતી રિપોર્ટ’ કે ‘ડૉ.હેડગેવાર’ કે આવી બીજી અનેક ફિલ્મો બને છે અને રિલીઝ થાય છે, આપણા સુધી પહોંચે છે તેનો સંતોષ માનીએ. આવી ફિલ્મોમાં અમુક ખૂટે છે, તમુક ખૂટે છે, પેલું હોત તો સારું થાત, ઢીકણું હોત તો ગમી જાત, ફલાણી ભૂલ નહોતી થવી જોઈતી હતી એવી ચાંપલી સમીક્ષક દ્રષ્ટિએ બૉલિવૂડની ફિલ્મો ભલે જોઈએ, પરંતુ આવી ફિલ્મોને અલગ માપદંડથી નાણીએ. બાળક ચાલતાં શીખતું હોય, થોડું થોડું દોડતાં પણ એને આવડતું હોય ત્યારે એ ઉસેન બૉલ્ડની જેમ કેમ દોડતો નથી એવી ટિપ્પણ કરવાની ના હોય.
ડૉ. હેડગેવારના જીવન વિશે ગયા વર્ષે પણ એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મ બીજી છે. આ ફિલ્મમાં વિખ્યાત ગુજરાતી અભિનેતા મનોજ જોષી સુત્રધારનું પાત્ર ભજવે છે. જયાનંદ શેટ્ટી લીડ રોલમાં છે. રાધાસ્વામી અવુલાએ પટકથા-દિગ્દર્શનની જવાબદારી નિભાવી છે. અનુપ જલોટા, શંકર મહાદેવન અને સુરેશ વાડકરે ગીતો ગાયાં છે.
આજકાલ મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોના માઠા દિવસો ચાલે છે. ભાડુતી એક્ટરોને થિયેટરમાં મોકલીને એમનાં રડતાં-ભેટતાં દૃશ્યો શૂટ કરીને પબ્લિસિટી એજન્ટો પાસે સોશ્યલ મીડિયામાં પૈસા આપીને વાઈરલ કરાવેલી ફિલ્મો પણ ઝાઝી ચાલતી નથી. આમિર ખાન જેવાએ પણ ‘સિતારે ઝમીં પર’ થિયેટરમાં ના ચાલી એટલે યુટ્યુબ પર રિલીઝ કરવી પડી એવા દિવસોમાં ‘ડૉ. હેડગેવાર’ જેવી ફિલ્મને બહુ બધા થિયેટરોમાં રિલીઝ કરવામાં તકલીફ થાય એ સમજી શકાય એવી વાત છે. પસંદગીના સમયના શો ના હોય અને નજીકના મનપસંદ થિયેટરને બદલે દૂર જઈને જોવી પડે એમ હોય તો ભલે.
‘ડૉ. હેડગેવાર’ ફિલ્મ જોઈને દર્શકને એમના વિશે, સંઘની કામગીરી તથા સંઘના સંચાલન વિશે વધુ જાણકારી મેળવવાની ઉત્સુકતા થશે. સંઘના અન્ય સરસંઘચાલકોના જીવન વિશે, એમના વિચારો અને કાર્યો વિશે માહિતી મેળવવાની ઉત્કંઠા થશે. સદ્ભાગ્યે આ બાબતનાં ડઝનબંધ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. ગુજરાતીમાં વિખ્યાત લેખક-પત્રકાર અને હવે દિલ્હીમાં ઘણી મોટી જવાબદારી સંભાળી રહેલા કિશોર મકવાણા લિખિત પુસ્તકો આર. આર. શેઠ જેવા પ્રસિદ્ધ પ્રકાશકે પ્રગટ કર્યાં છે. સંઘ વિશે પીએચ.ડી કરનારા અને ટીવીની ડિબેટ્સમાં સટીક માહિતી આપવામાં નિષ્ણાત એવા રતન શારદાસાહેબનાં લખેલાં પુસ્તકો પણ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ મળે છે. આ ઉપરાંત સંઘ વિશે જાણકારી આપતાં અનેક સાધનો છે. ‘ડૉ. હેડગેવાર’ જોયા પછી તમારી પાસે સંઘ વિશેની જાણકારી મેળવવાનો મહામાર્ગ ખુલ્લો થઈ જશે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો