સત્તા વિના જ્યારે આવી ઉદ્દંડતા છે તો સત્તા હતી ત્યારે કેવી દાદાગીરી હશે

 

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

કલ્પના કરો કે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમમાં એટલે કે ચીફ જસ્ટિસ પ્લસ ચાર સિનિયર મોસ્ટ જજો મળીને બનેલી પાંચ જજોની ટોળકીમાં એક જજ નાનપણથી આરએસએસમાં જતા હતા, પૂરેપૂરા ભગવા રંગે રંગાયેલા છે, રાષ્ટ્રવાદી છે અને પાકા હિન્દુ છે. પેલા કુરિયન જોસેફ નામના જજ જેમ ગુડ ફ્રાઈડે અચૂક પાળે એમ આ જજ પણ રામનવમી, જન્માષ્ટમીએ નકોરડા ઉપવાસ કરે છે.

હવે આ જજ એવી જીદ લઈને બેઠા હોય કે ગુજરાત હાઈ કોર્ટમાં ફલાણા જે ચીફ જસ્ટિસ છે એમનો સિનિયોરિટી પ્રમાણે ભલે 41મો નંબર આવતો હોય પણ આપણે તો ધરાર એમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવી છે ને આપવી જ છે.

એટલું જ નહીં આ દરખાસ્તને સરકાર ફગાવી દે તો રામનવમીવાળા જજ જાહેરમાં એક નહીં બબ્બે વાર સરકારનું ધોતિયું ખેંચવાની ચેષ્ટા કરે છે, જો આવું કંઈ થયું હોય તો મીડિયા કેટલો મોટો હોબાળો કરે? કૉન્ગ્રેસથી માંડીને મમતા-માયાવતી વગેરે કેટલો કકળાટ કરે?

કુરિયન જોસેફ અત્યારે કે. એમ. જોસેફ માટે પ્રિસાઈસલી આવું જ કરી રહ્યા છે અને મીડિયા એમની ટીકા કરવાને બદલે એમને માથે ઊંચકે છે. વિપક્ષો એમને ઈશારો કરીને ચૂપ રહેવાનું કહેવાને બદલે નિસરણી આપી રહ્યા છે.

કુરિયન જોસેફ અને બીજા ત્રણ જજોની જે ટુકડી સુપ્રીમ કોર્ટમાં ભેગી થઈ છે (જેમણે પેલી બદનામ પ્રેસ કોન્ફરન્સ કરી હતી) તે ચાર જજો (પ્લસ ચીફ જસ્ટિસ)ની બંધારણીય બૅન્ચ કપિલ સિબ્બલને ન મળી એટલે કપિલે પોતાના બે કૉન્ગ્રેસી ક્લાયન્ટોને ઊભા કરીને જે અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકી હતી તે પાછી ખેંચી લીધી. કઈ અરજી? ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાને ઈમ્પીચ કરવાની દરખાસ્ત ગૃહમાં લાવવાની ના પાડી એ નિર્ણયને પડકારતી અરજી.

કમાલ છે. સુપ્રીમ કોર્ટમાં જઈને તમે કહો કે જજ સાહેબો, તમારા ચીફ જસ્ટિસને ઉડાવી મૂકવાની અમારી અરજી રાજ્યસભામાં ન લેવાઈ, હવે તમે રાજ્યસભાના અધ્યક્ષનો હુકમ રદ કરવા માગતી અમારી વિનંતી સ્વીકારો અને તમારા ઉપરી જજને ઈમ્પીચ કરવાની અરજી રાજ્યસભાના અધ્યક્ષ-ઉપરાષ્ટ્રપતિએ સ્વીકારવી જોઈએ એવો હુકમ કાઢો. એક કાંકરે બેચારછ પક્ષી મારવા માગતા કપિલ સિબ્બલ જેવા કૉન્ગ્રેસીઓની ઑડેસિટી તો જુઓ. આ કૉન્ગ્રેસીઓ સત્તામાં નથી ત્યારે સુપ્રીમ કોર્ટ સાથે આવી દાદાગીરી કરે છે તો સત્તા પર હતા ત્યારે શું શું નહીં કરતા હોય એનો અંદાજ તમે એમના અત્યારના આવા કાવાદાવાથી લગાવી શકો છો. બિલકુલ સડકછાપ મવાલીની જેમ વર્તતા કૉન્ગ્રેસીઓએ પોતાનાં શાસનનાં વર્ષો દરમ્યાન ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સાથે આવી જ દાદાગીરીઓ કરી છે અને એમના પાળીતા મીડિયાએ એમને દરેક વખતે છાવર્યા છે. માત્ર ભાગબટાઈમાં જ્યારે જ્યારે પશુઓમાં તકરાર પડી છે ત્યારે ત્યારે જ કૌભાંડો બહાર આવ્યાં છે અને તે પણ હિમશિલાના દસમા ભાગ જેટલા – ટિપ ઑફ ધ આઈસબર્ગ જેટલા – અને તે પણ એટલા માટે કે મીડિયા પોતાનાં બાવડાંના ગોટલા ફુલાવીને કૉન્ગ્રેસીઓને ધમકાવી શકે કે જુઓ આ અમે છાપી નાખ્યું, હવે અમને જોઈતા પૈસા ઓકો છો કે નહીં? અને જોઈતા પૈસા ઓકાવીને મીડિયા ફર્ધર ઈન્વેસ્ટિગેશનમાં પડ્યા વિના ભીનું સંકેલી લે. આ જ થતું આવ્યું છે કૉન્ગ્રેસી શાસન દરમ્યાન.

મોદીએ ક્યારેય મીડિયાને કૉન્ગ્રેસીઓની જેમ પોતાના ખોળામાં લઈને કુરકુરિયાની જેમ વહાલ કર્યું નથી. રવિશકુમાર, રાજદીપ, બરખા ઈત્યાદિ ગેન્ગને આ જ ખૂંચે છે. મીડિયાને કૉન્ગ્રેસના રાજમાં શર્ટનાં ઉપલાં બે બટન ખુલ્લાં રાખીને બ્યુરોક્રસીમાં, પોલીસમાં, બધે જ પહોળા થઈને ફરતાં ફરતાં પોતાનાં કામો કરાવવાની, પોતે જેમના દલાલો બનીને ફાઈલો ફેરવતા એમની પાસેથી લાખો-કરોડો ઉઘરાવવાની ટેવ પડી ગઈ હતી. મોદીએ ગુજરાતમાં સીએમ બન્યા પછી સ્થાનિક સ્તરે અને ચાર વર્ષ પહેલાં પીએમ બન્યા પછી રાષ્ટ્રીય સ્તરે મીડિયાને એની હેસિયત દેખાડી દીધી. મોદી મીડિયાથી ડરતા નથી એટલે મીડિયાના નચાવ્યે નાચતા નથી. મોદી આ પેઈડ મીડિયામાં અપ્રિય છે તેનું કારણ આ છે. ડરે કોણ? જેણે કંઈક ખોટું કર્યું હોય, જે કંઈક ખોટું કરવા માગતા હોય એ બીજાઓના બ્લેકમેલથી ડરે. મોદી પાસે ડરવા માટેનું કોઈ કારણ નથી – પેઈડ મીડિયાને આ જ ખૂંચે છે. ખાતો નથી અને ખાવા દેતો નથી.

ગયા અઠવાડિયે રાજનાથ સિંહના પુત્ર અને સુષમા સ્વરાજના પતિને મોદીએ કેવી રીતે ભ્રષ્ટાચાર કરતાં અટકાવ્યા તેની વાત લખી તો માળા બેટા રાણીના હજૂરિયાઓ અને પપ્પુના ગલૂડિયાઓ ચડી બેઠા કે મોદી આમ છતાં રાજનાથ અને સુષમાને કેમ સાથે રાખે છે? એમના પુત્ર/પતિને મોદીએ શું સજા કરી?

અલ્યા ભૈ, મનમોહન સિંહે ક્યારેય ચિદમ્બરમ્, ડી રાજા, સુરેશ કલમાડી અને શીલા દીક્ષિતથી માંડીને બીજા સેંકડો કરપ્ટ કૉન્ગ્રેસીઓને જે એમના કેબિનેટના કલીગ્સ કે પાર્ટીના આગેવાનો કે સરકારના જોડીદારો હતા એમને – બોલાવીને મોદીની જેમ એ લોકોના કે એમનાં સંતાનો/ સગાંવહાલાંઓના કરપ્શન સાથે કડક પગલાં લીધાં હોય એવો એકાદ કિસ્સો તો શું એવી કોઈ અફવા પણ બતાવો – પછી અહીંના હિસાબકિતાબ માગો, અન્યથા ચૂપ રહેવાનું અને ચોરની માની જેમ કોઠીમાં માથું નાખીને રડવાનું.

ગઈ કાલે એક નવી વાત લખવાનું પ્રોમિસ આપ્યું હતું તે યાદ છે. કાલે રાખીએ.

*આજનો વિચાર*

ઐસી મશીન બનાઉંગા જિસમેં એક તરફ સે કોઈ ફાલતુ મેસેજ ડાલેગા ઔર દૂસરી તરફ સે વો રિમૂવ હોગા. – એક ભડકા હુઆ ઍડમિન.

– વૉટ્સએપ પર વાંચેલું

*એેક મિનિટ!*

પકો: શું થયું, બકા?

બકો: બાજુવાળી ભાભીએ મને ‘હાય’ કહ્યું…

પકો: તો એમાં આટલો મુંઝાયેલો કેમ છે?

બકો: શાસ્ત્રોમાં કીધું છે કે કદી કોઈની ‘હાય’ ન લેવી..

( મુંબઇ સમાચાર : બુધવાર, 9 મે 2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here