દિન ઢલ જાય હાય રાત ન જાય

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

રાજુએ ધારી લીધેલું કે પોતાની અને રોઝીની જિંદગીમાં હવે માર્કો નામના કોઈ આદમીનું અસ્તિત્વ જ નહોતું. રોઝી પોતે માર્કો સાથેનો ત્રાસદાયક ભૂતકાળ ભૂલી ગઈ હશે અને રોઝીનું ડાન્સ શોઝ માટેનું નામ નલિની હતું એટલે માર્કોને પણ રોઝીની ખ્યાતિ અને રોઝીની જાહેર જિંદગી વિશેની ખબર પહોંચતી નહીં હોય.

પણ રાજુ ગલત હતો. એક વખત માલગુડીમાં જ રોઝીના સતત સાત દિવસ સુધી કાર્યક્રમો હતા. જનરલી રોઝીના નામે રોજની ઢગલાબંધ ટપાલ આવતી. નિમંત્રણપત્રો, કેટલોગ, કવિતા, સામયિકો, ચાહકોના પત્રો. શું શું આવ્યા કરતું. રાજુનો સેક્રેટરી આ બધી ટપાલ ખોલીને દરેકનો યોગ્ય નિકાલ કરતો. રોઝી માટેનાં કેટલાક તમિળ અને અંગ્રેજી મૅગેઝિન્સ આવતા તો એ ઉપર એના રૂમમાં મોકલવામાં આવતા. રાજુને આવાં સામયિકો અને પુસ્તક-પુસ્તિકાઓમાં ભાગ્યે જ રસ પડતો, એ જોતો પણ નહીં. એને માત્ર નિમંત્રણ પત્રિકાઓમાં રસ પડતો, કોને ક્યારે રોઝીનો પ્રોગ્રામ ગોઠવવામાં રસ છે એવા પત્રો જ રાજુ માટે કામના હતા. રાજુએ મણિને સ્ટ્રિક્ટ સૂચના આપી રાખી હતી કે આવા પત્રો સિવાયની બાકીની કોઈપણ ફાલતું ટપાલ મારા સુધી પહોંચાડીને મારો ટાઈમ બગાડવો નહીં.

આમ છતાં મણિ એક દિવસ એક પેકેટ લઈને આવ્યો, ‘સર, આ તમારા કામનું લાગે છે.’ કહીને એણે પેકેટ ખોલ્યું. અંદરથી એક બુક નીકળી જેના પરનું લેખકનું નામ વાંચતા જ રાજુએ લપકીને મણિના હાથમાંથી લઈ લીધી. ધ કલ્ચરલ હિસ્ટરી ઑફ સાઉથ ઈન્ડિયા. પુસ્તકના શીર્ષક હેઠળ લેખકનું નામ હતું: માર્કો.

પુસ્તક પર પેન્સિલથી લખ્યું હતું: ‘જુઓ પાનું ૧૫૮.’ એ પાના પર ગુફાઓના ફોટા નીચે લેખકે પ્રકરણ શરૂ કરતાં પહેલાં નોંધ્યું હતું: ‘આ પ્રકરણમાં ઉલ્લેખ પામેલી ગુફાઓના સંશોધન માટે લેખક માલગુડી રેલવે સ્ટેશનના શ્રી રાજુએ કરેલી મદદનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરે છે.’

પાને પાને ફોટોગ્રાફ્સ ધરાવતું આ દળદાર સચિત્ર પુસ્તક ખાસ્સું મોંઘું હતું. વીસ રૂપિયાનું.

રાજુએ સેક્રેટરી મણિને કહ્યું, ‘ભલે, આ હુું રાખું છું.’ રાજુને હજુય નવાઈ લાગતી હતી કે મણિએ શું કામ આ પેકેટ એને આપ્યું. શું મણિને ખબર હતી કે આ પુસ્તકના લેખકને મારી સાથે શું સંબંધ હતો? ‘થૅન્ક યુ, હું પછી વાંચીશ’ કહીને રાજુએ મણિને રવાના કર્યો.

રાજુએ વિચાર્યું: આ પુસ્તક રોઝીને બતાવવું જોઈએ? રોઝીનો તો ગુફાઓ અને એને લગતું સંશોધન કંટાળાજનક લાગતું હતું. કેટલીયવાર એ કહી ચૂકી હતી કે માર્કોના આ શોખથી એ ભારે ત્રાસી ગઈ હતી. બિચારીને ફરી ક્યાં ત્રાસ આપવો. રાજુએ તપાસી જોયું કે પુસ્તક સાથે કોઈ પત્ર હતો કે નહીં પત્ર નહોતો. બિલકુલ ઈમ્પર્સનલ રીતે મોકલાયું હતું – ઈલેક્ટ્રિસિટીના બિલની જેમ. રાજુએ ૧૫૮મું પાનું ફરી ખોલ્યું. પોતાનું નામ છપાયેલું વાંચીને એને ફરી રોમાંચ થયો. પણ માર્કોએ શું કામ એનું નામ લખ્યું. નામ લખવા પાછળ એનો ઈરાદો શું હતો? એને પ્રૉમિસ આપેલું એટલે કે પછી એની ઔકાતની યાદ અપાવવા? એ માત્ર એક મામૂલી ગાઈડ હતો એવું જતાવવા? જે હોય તે. રાજુએ નક્કી કર્યું કે આ ચોપડી રોઝીથી દૂર રાખવી. દારૂની બૉટલોના ખાનામાં એણે એને છુપાડી દીધી. રોઝીની નજરે ક્યારેય નહીં ચડે. આમેય રોઝીને એ ચોપડી સાથે વળી શું લેવાદેવા? આમેય માર્કોએ એના નામે પૅકેટ મોકલ્યું હતું – ગાઈડ તરીકે એણે એને આપેલી સેવાઓ પ્રત્યે આભાર પ્રગટ કરવા મોકલ્યું હતું.

ચોપડી છુપાવી દીધા પછી રાજુને લાગ્યું કે એણે કોઈ લાશ સગેવગે કરી નાખી છે. રાજુને પાછળથી એવું લાગવા માંડ્યું હતું કે આ દુનિયામાં કોઈ વાત છુપાવી કે દબાવી શકાતી નથી. આવા તમામ પ્રયત્નો સૂર્યને છત્રીથી ઢાંકી દેવા જેવા સાબિત થતા હોય છે. તડકો તમારા પર ન પડે એટલે તમે સૂર્યનું અસ્તિત્વ ભૂલી જાઓ. પણ તમારા સિવાય બધાને સૂર્યનું અસ્તિત્વ ઊડીને આંખે વળગે.

ત્રણ દિવસ પછી માર્કોનો ફોટો ‘ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ બૉમ્બે’ નામના સામયિકમાં છપાયો. રોઝી હંમેશાં એ મૅગેઝિન વાંચતી. એને એમાં છપાતાં વાર્તાઓ, નિબંધો વાંચવાની અને લગ્નનાં ફોટાઓ જોવાની મઝા આવતી. માર્કોનો ફોટો એના પુસ્તકના રિવ્યુ સાથે છપાયો હતો: ‘ભારતીય સંસ્કૃતિના ઈતિહાસને એક ડગલું આગળ લઈ જતું સંશોધન.’ રોઝીએ ઉપરથી દોડતાં આવીને રાજુને આ મૅગેઝિનનું પાનું દેખાડીને ઉત્સાહથી કહ્યું, ‘આ જોયું તેં?’

રાજુએ પાના પરની વિગતો વાંચીને યોગ્ય પ્રમાણમાં આશ્ર્ચર્ય વ્યક્ત કરીને કહ્યું, ‘શાંત પડ, જરા ધીરી પડ. બેસ તો ખરી.’

‘ગજબ કહેવાય નહીં. એમણે આખી જિંદગી આ જ ક્ષેત્રમાં કામ કર્યું છે. છેક હવે એમને રેક્ગ્નિશન મળ્યું. મને તો એમનું પુસ્તક જોવાનું એવું મન થાય છે કે…’

‘પુસ્તકમાં શું જોવાનું હોય. આપણને સમજ ના પડે એવી બધી વાતો હશે એમાં. હા, જેમને આ ફિલ્ડમાં જાણકારી હોય એમને જરૂર રસ પડે.’

‘મારે એ બુક જોવી છે. ક્યાં મળશે’ રોઝીએ ફટ દઈને મણિને બોલાવ્યો. અગાઉ ક્યારેય એણે રાજુના સેક્રેટરી સાથે સીધી વાત કરી નહોતી. ‘મણિ, આ પુસ્તક જ્યાંથી મળે ત્યાંથી તું મને લાવી આપ.’

મણિએ નજીક આવીને પાનાં પરની વિગતો વાંચી. પછી જરાવાર એ વિચારમાં પડી ગયો. એણે રાજુ સામે જોયું અને કહ્યું, ‘ભલે, મૅડમ.’

રાજુએ ઉતાવળમાં મણિને કહ્યું, ‘પેલો લેટર જલદીથી પૂરો કરીને જાતે જઈને પોસ્ટ ઑફિસમાં આપી આવ. મોડું ના થવું જોઈએ!’

મણિના ગયા પછી રોઝી પણ ઉપર જતી રહી. પાછળથી રાજુને ખબર પડી કે રોઝીએ એ મૅગેઝિનમાંથી માર્કોનો ફોટો કાપીને પોતાના ડ્રેસિંગ ટેબલના આયનામાં ખોસ્યો હતો. રાજુને ધક્કો લાગ્યો હતો.

આ બનાવના ત્રીજા દિવસે રાત્રે પથારીમાં પડ્યા પછી રોઝીએ પહેલો સવાલ એ પૂછ્યો હતો કે:

‘તેં એ બુક ક્યાં સંતાડી છે?’

‘તને કોણે કહ્યું?’

‘એ છોડ, મને ખબર છે કે એ બુક આ સરનામે આવી છે. મારે જોવી છે.’

‘ઠીક છે. કાલે દેખાડીશ.’

રાજુએ મનોમન મણિના બચ્ચાને મણમણની સંભળાવી. એ હરામખોરનું હવે કંઈક કરવું પડશે.

‘તેં શું કામ એ બુક મારાથી છુપાવી?’

‘અત્યારે માથાઝીક રહેવા દે મને બહુ ઊંઘ આવે છે?’

‘મને જવાબ આપી દે પછી તરત સૂઈ જજે’

‘મને ખબર નહીં કે તને એ ચોપડીમાં રસ પડશે.’

‘કેમ ના પડે? આખરે તો…’

‘તેં તો મને કહેલું કે તને એના કામમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી.’

‘આજની તારીખે પણ મને એ બોરિંગ લાગે પણ એના જીવનમાં જે કંઈ થતું હોય તેમાં મને જરૂર ઈન્ટરેસ્ટ છે. મને ખુશી છે કે એનું પુસ્તક પ્રગટ થયું, એનું નામ, એનું કામ કેટલા બધા લોકો સુધી પહોંચ્યું.’

‘તને રાતોરાત એનામાં રસ પડવા લાગ્યો છે. પણ એ ચોપડી મારા નામે આવી હતી, તારા નામે નહીં.’

‘શું બસ એ જ એક કારણથી તેં એને મારાથી છુપાવી દીધી?’

‘મારા નામે આવેલી ચોપડીનું મારે શુું કરવું ને શું નહીં એ કહેવાવાળી વળી તું કોણ? બસ, હવે મને ચૂપચાપ સૂઈ જવા દે અને તું વાંચતી ન હોય અને ખાલી વિચારતી હોય તો બત્તી બંધ કરીને અંધારામાં વિચારતી રહે?’ બોલતાં તો બોલાઈ ગયું પણ બીજી જ પળે રાજુને આટલા આકરા શબ્દો વાપરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. રાજુને રોઝીની માફી માગી લેવાનો પણ વિચાર આવી ગયો.

અડધો કલાક પડખાં ઘસ્યા પછી રાજુએ લાઈટ ચાલુ કરી. રોઝી હજુ રડતી હતી. રાજુએ કહ્યું,

‘ચાલ, હવે સૂઈ જા. શું થઈ ગયું છે તને?’

‘આખરે એ મારો પતિ છે.’

‘હા, પણ એમાં રડવાનું શું? પેલાનું નામ થઈ રહ્યું છે તો તારે ખુશ થવું જોઈએ.’

‘હું ખુશ છું.’

‘તો પછી રડવાનું બંધ કરીને સૂઈ જા ને.’

‘હું એના વિશે વાત કરું છું તો ચિડાઈ શું કામ જાય છે?’

‘એણે તને કેટલી ખરાબ રીતે તરછોડી. ગુસ્સો ના આવે એના પર?’

‘આવે. પણ તું એ જો કે એક આખો મહિનો એણે મને કેવી રીતે સહન કરી. મેં એને આપણા વિશે બધું જ કહી દીધું એ પછી પણ એણે મને સાચવી. બીજો કોઈ પતિ હોત તો મારું ગળું જ ઘોંટી નાખે. એ મારી સાથે ઘણી ભલમનસાઈથી વર્ત્યો હતો.’

‘પણ હવે એ તને હાથ પણ નહીં લગાડે, સમજી? તારા સ્પર્શથી પણ દૂર રહેવાનો.’

‘તારે મને આવું જ બધું સંભળાવવું છે.?’

રાજુ સમજી શકતો નહોતો કે રોઝી કેમ આ રીતે વર્તી રહી હતી. મહિનાઓ સુધી એ રોઝીની યાદમાં ખાધાપીધા વિના બહાવરો બનીને ભટ્કયો હતો. રોઝી એના પતિ વિશે પોતાની સમક્ષ કેટકેટલું ખરાબ બોલી હતી. શું એ બધું જુઠ્ઠાણું હતું? એને પોતાની તરફ આકર્ષવાની કોઈ ચાલ હતી? એનાથી થાકી જશે ત્યારે એ એના વિશે પણ આવા આવા આક્ષેપો બીજા કોઈની સમક્ષ કરશે? રોઝીની કરિયર માટે એણે શું શું નહોતું કર્યું. અને અત્યારે જાણે એ એના પતિના ગળાડૂબ પ્રેમમાં હોય એવું દેખાડી રહી હતી. આનો ઉપાય શું?

કોઈ ઉપાય નહોતો. રોઝી અને રાજુ ફરીથી ઘાણીના બળદની જેમ આગળપાછળ જોયા વિના કામમાં ગળાડૂબ થઈ ગયા.

પ્રોગ્રામોની વધતી ગયેલી વ્યસ્તતા વચ્ચે એક દિવસ રાજુએ ટપાલમાં એક રજિસ્ટર્ડ કવર જોયું. મણિએ થોડા દિવસ પહેલાં સહી કરીને છોડાવ્યું હતું પણ રજા પર જતાં પહેલાં એ પોતાના ટેબલ પર જ ભૂલી ગયો હતો. રાજુએ પરબીડિયું તપાસ્યું કોઈ લૉયરની ઑફિસમાંથી આવ્યું હતું. રોઝી ઉર્ફે નલિનીનું નામ એના પર હતું. લાખનું સીલ હતું. રાજુએ કવર ખોલીને એમાંનો પત્ર વાંચ્યો:

‘મૅડમ, અમારા ક્લાયન્ટની સૂચનાથી આ પત્ર તમને મોકલવામાં આવે છે. ક્લાયન્ટના બૅન્કના લોકરમાં એક જ્વેલરી બોક્સ છે જે તમારા બંનેની સંયુક્ત સહીથી ઑપરેટ થાય છે. સાથેના કાગળ પર તમારી સહી મોકલી આપો તો અમારા ક્લાયન્ટ એમની સહી કરીને બૅંકના લોકરમાં પડેલો ઝવેરાતનો ડબ્બો કાઢીને તાબડતોબ તમને મોકલી આપે.’

રાજુ કાગળ વાંચીને ઉપર રોઝીના રૂમમાં જવા પગથિયાં ચડી ગયો, પણ પછી તરત જ થંભી ગયો. નીચે આવી ગયો. અત્યારે ને અત્યારે જ આ કાગળ પર રોઝીની સહી લેવી જરૂરી છે? એણે વિચાર્યું અને કાગળ પરબીડિયામાં પાછો મૂકી દીધો. પરબીડિયું દારૂની બૉટલો સાથે મૂકેલી ચોપડીમાં મૂકી દીધું.

આજનો વિચાર

જો ખાલી એક વાર મોદીજી એમ કહી દે કે મારે ચૂંટણી નથી લડવી તો બીજી જ સેકન્ડથી આ મહાગઠબંધનવાળા ગઠિયાઓ એકબીજાના પાયજામા ફાડી ના નાખે તો કહેજો!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: પકા, પેલી જસલીને અનુપ જલોટામાં શું જોયું હશે?

પકો: એક તો જલોટાજીની ઈન્કમ અને બીજું, એમના દિન-કમ!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 5 ઓક્ટોબર2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here