( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 9 એપ્રિલ 2025 )
મુહમ્મદ અલીને ૧૧ વર્ષ પછી ‘પ્લેબૉય’ ફરીથી મળ્યું. આ બીજો ઈન્ટરવ્યુ લૉરેન્સ લિન્ડરમૅને લીધો. પહેલો જ સવાલ એવો કર્યો કે હજુ પણ તું કેશ્યસ ક્લે જ હોત તો અત્યારે શું કરતો હોત?
મુહમ્મદ અલીએ જે જવાબ આપ્યો એનો સાર એવો હતો કે: જલસા મારતો હોત, બૉક્સિગં પ્રત્યે કે ઓવરઑલ લાઈફ પ્રત્યે બેધ્યાન થઈ ગયો હોત. મુહમ્મદ અલીએ કહ્યું: ‘કેશ્યસ ક્લે અત્યારે ફ્રાન્સમાં પેરિસ જઈને ટ્રેઈનિંગ કરતો હોત અથવા તો પ્રોમોટર્સે કોઈ બીચસાઈડ હૉટેલમાં મારા માટે રૂમો બુક કરાવી હોત ને હું ત્યાં હોત. નહીં તો પછી જમૈકાની કોઈ પૉશ હૉટેલમાં ટ્રેઈનિંગ કરતો હોત. અત્યારે હું કોઈ લેડીને મળું તો હું એની સાથે ઈસ્લામ ધર્મના ઉમદા સિદ્ધાંતો વિશે ચર્ચા કરીને એની જિંદગીમાં કોઈક રીતે હેલ્પફુલ થવાની કોશિશ કરતો હોઉં છું. કેશ્યસ ક્લે એને કોઈ હૉટેલની રૂમમાં લઈ જઈને યુઝ કરતો હોત. અત્યારે હું કેશ્યસ ક્લે હોત તો ફ્લોઈડ પેટર્સન જેવો હોત.’
પેટર્સન પણ બ્લેક બૉક્સિગં ચૅમ્પિયન હતો. મુહમ્મદ અલી કરતાં સિનિયર. ૧૯૫૨ની હેલસિંકી ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિનર. પણ એકદમ નૉન-કન્ટ્રોવર્શ્યલ. મુહમ્મદ અલીને એ હંમેશાં કેશ્યસ ક્લે તરીકે જ બોલાવતો રહ્યો અને ૧૯૬૫માં અલીએ એને હરાવ્યો હતો.
મુહમ્મદ અલી ‘પ્લેબૉય’ને કહે છે: ‘પેટર્સનની જેમ મેં પણ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધાં હોત અને અત્યારે હું બ્લૅક પીપલને રિપ્રેઝન્ટ ન કરતો હોત. પેટર્સન જ શું કામ બીજા એવા કેટલાય બ્લૅક પીપલ જ છે જે સેલિબ્રિટીઝ છે પણ કોન્ટ્રોવર્સીમાં પડવા નથી માગતા એટલે બ્લૅક લોકોના રાઈટ્સ વિશે ચૂપ રહે છે. કેશ્યસ ક્લે એવો જ હોત. વિવાદ ઊભો કરીને પોતાનું સ્થાન જોખમમાં ન મૂકતો હોત. આજે પણ હું કેશ્યસ ક્લે હોત તો ન્યુ યોર્કની કોઈ મોટી હૉટેલમાં રહેતો હોત અને ગોરી છોકરીઓથી છલોછલ એવા ડિસ્કોથેકમાં જઈને ત્યાંની સૌથી ચીકની છોકરી જોડે આખી રાત મઝા મારતો હોત.’
ઈન્ટરવ્યુઅર અલીને એક ઈન્ટરેસ્ટિંગ સવાલ પૂછે છે: ‘સામેવાળો તગડો બૉક્સર તારા મોઢા પર એક જોરદાર મુક્કો મારે ત્યારે તને ફિઝિકલી કેવું સેન્સેશન થાય?’
અલી સરસ સમજાવે છે: ‘ઝાડની એક મજબૂત ડાળી હાથમાં લઈને જમીન પર પછાડી જુઓ. તમારા આખા હાથમાં જે ઝણઝણાટી થશે તેવી જ લાગણી એ વખતે આખા શરીરમાં થતી હોય છે અને એ સેન્સેશન દૂર કરવા તમને ઓછામાં ઓછી ૧૦થી ૨૦ સેકન્ડ્સ જોઈએ. પણ જો એની પહેલાં જ ફરી તમારા શરીર પર ઔર એક મુક્કો પડે તો ફરી બોઇંઇંઇંઇંગ…
પ્રશ્ર્નકર્તા પૂછે છે કે, ‘આવો જોરદાર મુક્કો પડ્યા પછી તું જે કરવા માગે તે પ્રમાણે તારું બૉડી રિસ્પોન્ડ કરતું હોય છે?’
‘ના,’ મુહમ્મદ અલી કહે છે, ‘કારણ કે તમારું માઈન્ડ તમારા બોડીને કન્ટ્રોલ કરતું હોય છે અને શરીરના કોઈ પણ હિસ્સા પર એક જોરદાર મુક્કો પડ્યા પછી માઈન્ડની વિચારશક્તિ ખોરવાઈ જતી હોય છે. તમે નમ્બ થઈ જાઓ છો. તમને ખબર નથી હોતી કે તમે ક્યાં છો. પેઈન નથી હોતું, જસ્ટ ઝણઝણાટી હોય છે. (કારણ કે પેઈન તો આ એક્સાઈટમેન્ટ શમી ગયા પછી ઊભરતું હોય છે) પણ તે વખતે મને ઑટોમેટિકલી ખબર હોય છે કે આવું થાય ત્યારે મારે આવું કરવાનું. કોઈ જગ્યાએ ફાયર લાગે ને તરત જ સ્પ્રિન્કલર સિસ્ટમ કેવી ઑટોમેટિક રીતે શરૂ થઈ જાય, એવું જ કંઈક. મુક્કો વાગે ને હું સ્ટન થઈ જઉં ત્યારે મારામાં એવી કોઈ કોન્શ્યસનેસ નથી હોતી કે હું એક્ઝેટલી ક્યાં છું ને શું થઈ રહ્યું છે. પણ હું રિંગમાં કૉન્સ્ટન્ટ મારી જાતને કહ્યા કરતો હોઉં છું કે મારે ડાન્સ કરવાનો છે, દોડવાનું છે, સામેવાળાને ભીંસમાં લેવાનો છે, માથું નીચું રાખીને મુક્કાથી બચવાનું છે. હું જ્યારે કૉન્શ્યસ હોઉં છું ત્યારે સતત મારી જાતને આવું કહ્યા કરતો હોઉં છું એટલે શરીર પર જોરદાર પ્રહાર આવે ત્યારે ઑટોમેટિકલી હું એ વિચારો મુજબ જ વર્તન કરી શકું છું. માર તો પડે. બૉક્સિગંમાં કોઈને પણ માર પડે. મને પણ બહુ માર પડ્યો છે. બધા જ ગ્રેટ ફાઈટર્સે માર ખાધો છે. શ્યુગર રે, જો લુઈ, રૉકી માર્ચિયાનો… બધા જ. પણ આ ગ્રેટ ફાઈટરોમાં એવી ક્વૉલિટી હોય છે જે બધામાં નથી જોવા મળતી. એ લોકોને ટકી રહેતાં આવડે છે, સ્વસ્થતા પાછી ન આવે ત્યાં સુધી ટકી રહેતા આવડે છે. હારીને બેસી પડતા નથી, રિંગ છોડીને જતા નથી રહેતા. મારામાં પણ આ ક્વૉલિટી છે. એટલે જ હું ગ્રેટ ડિફેન્સિવ ફાઈટર ગણાઉં છું.’
‘પ્લેબૉય’ એને પૂછે છે, ‘જ્યોર્જ ફોરમૅન જેવા બૉક્સરોને તું ફાઈટ પહેલાં ગમે તેવી ગાળો આપતો હોય છે. એમાં તને શું ફાયદો થાય?’
મુહમ્મદ અલીનો જવાબ વાંચવા જેવો છે: ‘યુ મીન મેં એને ‘મમ્મી’ કેમ કહ્યું એમ? અરે ભાઈ, એની ચાલ જ એવી છે (પ્રેગનન્ટ સ્ત્રી જેવી!) લિસન, તમને કોઈ ગાળો આપે અને તમે તમારો પિત્તો ગુમાવી બેસો, ગુસ્સે થઈ જાઓ તો તમારું જજમેન્ટ ઑફ માર્ક થઈ જવાનું. પછી તમારું થિન્કિંગ હોવું જોઈએ એટલું શાર્પ નથી રહેતું!’
મુહમ્મદ અલીમાં અને બૉક્સિંગમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે ન હોય સમજવાનું એ છે કે જિંદગીમાં જે કંઈ તમને જોઈએ છે તે મેળવવા માટે કષ્ટ ઉઠાવ્યા વિના છૂટકો નથી. તમારા ઘરની ચાર દીવાલો વચ્ચે સુરક્ષિત ફીલ કરતાં કરતાં કે તમારા કામના કમ્ફર્ટ ઝોનમાં મહાલ્યા કરીને તમે કોઈ ઊંચી સિદ્ધિ પામી શકવાના નથી. પડવું પડશે, આખડવું પડશે. મુક્કાઓ સહન કરવા પડશે. બોઇંઇંઇંઇંવાળી ઝણઝણાટી ફીલ કરતાં રહીને પણ સામે આવતા સંજોગોને મુક્કાઓ મારવા પડશે. રિંગમાં પ્રવેશતાં પહેલાં ટ્રેઈનિંગ વખતે પરસેવો જેટલો પાડ્યો હશે એટલું લોહી ઓછું વહેશે તમારું. પણ પેઈન તો સહન કરવું જ પડશે તમારે. જો જિંદગીમાં કંઈક એવું અસાધારણ પ્રાપ્ત કરવું હશે તો.
મુહમ્મદ અલીની જિંદગી પરથી જે સૌથી મોટી વાત શીખવાની તે એ કે દુનિયા તમને ન જોતી હોય ત્યારે તમારે પીડા સહન કરવાની છે, તમારી સહનશીલતાની મર્યાદા આવી ગયા પછી જ તમારી ખરી તાલીમ શરૂ થતી હોય છે. સક્સેસ ક્યારેય, કોઈનેય તાસક પર ન મળે. તૈયાર ભાણે જમવા બેસી જવાનાં ખ્વાબ જોનારાઓ ભૂખે મરતા હોય છે. દરેક ઝળહળતી સફળતા પાછળ ટેલેન્ટ ઉપરાંત આકરો પરિશ્રમ હોય છે.
ત્રણ વર્ષ અને સાત મહિનાના વનવાસ પછી, ૨૮ વર્ષની ઉંમરે, મુહમ્મદ અલીએ તે વખતના નંબર વન હેવીવેઈટ ચૅમ્પિયન સામે લડીને પોતાનું સ્થાન પાછું મેળવવાનું હતું. એની પાસે તૈયારી કરવા માટે માત્ર છ જ અઠવાડિયાં હતાં. ટ્રેઈનિંગ દરમ્યાન એના નાનપણના મિત્ર અને ભૂતપૂર્વ હૅવીવેઈટ ચૅમ્પિયન જિમી એલિસનો મુક્કો વાગતાં અલીની એક પાંસલળી તૂટી ગઈ હતી. પાંસળીના ફ્રેકચર સાથે અલી એ મૅચ રમ્યો અને ત્રીજા જ રાઉન્ડમાં જીતી ગયો.
૪૨ વર્ષની ઉંમરે અલીને પાર્કિન્સન્સ ડિસીઝ છે એવું નિદાન થયું. આ રોગમાં શરૂમાં તમારી શારીરિક ક્રિયાઓ મંદ પડતી જાય, હાલવાચાલવાની તકલીફ પડવા માંડે. પાછળથી દિમાગ પર અસર પડે. તમારું થિન્કિંગ ખોરવાઈ જાય, તમારું વર્તન અનનૅચરલ બની જાય અને આ રોગ આગળ વધે એમ યાદદાસ્ત તમે ગુમાવતા જાઓ, ડિપ્રેશનમાં સરી પડો. મુહમ્મદ અલી જિંદગીના છેલ્લા ત્રણ દાયકા આ રોગ સાથે જીવ્યો.
મુહમ્મદ અલીની લોકપ્રિયતા માત્ર એની સફળતાને આભારી નહોતી, કે નહોતી એને મળેલી પબ્લિસિટી એના ભડભડિયાપણાને આભારી. બૉક્સિગંના ફિલ્ડની સફળતા અને એનું બેફામ બોલવાનું તો એની લોકપ્રિયતાનું ઉપરછલ્લું લક્ષણ હતું. બ્લેક, વ્હાઈટ – તમામ અમેરિકનોને પ્રેરણા મળી એના મક્કમ મનોબળમાંથી. શારીરિક તાકાતની એક સીમા હોય છે દરેક વ્યક્તિમાં એ સીમા ઉપર નીચે હોવાની. પણ દરેક વ્યક્તિ પોતાની આ સીમા ઓળંગીને શારીરિક સહનશક્તિને વધારી શકે છે, માનસિક બળ દ્વારા મુહમ્મદ અલી પોતાનાં બૉક્સિગં યર્સ દરમ્યાન સતત આ વાત પુરવાર કરતો રહ્યો. એની લોકપ્રિયતાનું ખરું કારણ આ હતું. નાનામાં નાના માણસને પણ, જેણે બૉક્સિગંની રમતમાં ક્યારેય જરા સરખો રસ લીધો નથી એને પણ મુહમ્મદ અલીના જીવનમાંથી પ્રેરણા મળતી રહી.
૧૯૯૯માં ‘ટાઈમ’ સાપ્તાહિકે વીસમી સદીના ૧૦૦ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ લોકોની યાદીમાં મુહમ્મદ અલીનું નામ મૂક્યું હતું. ઈનામ-અકરામો અને માનસન્માનો તો ઢગલો. ખૂબ લોકોએ એને પ્રેમ કર્યો અને કેટલાય લોકોના ધિક્કારને, અણગમાને પાત્ર પણ રહ્યો. સવાલ એ નથી કે કેટલા લોકોને તમે નથી ગમતા. સવાલ એ પણ નથી કે કેટલા લોકોને તમે ગમો છો. સવાલ એ છે કે તમે તમને ગમો છો કે નહીં. જિંદગીમાં તમે જં કંઈ કર્યું છે, કરી રહ્યા છો અને કરવા માગો છો તે તમારું ગમતું છે કે નહીં. આ જ સૌથી અગત્યનો સવાલ છે. કારણ કે તમે જો તમને ગમતા હશો તો ભગવાનને પણ તમે ગમવાના છો. અને એક વખત ભગવાનને તમે ગમતા થઈ ગયા તો બીજું કોઈ તમારી દરકાર કરે કે નહીં, એ ઉપર બેઠાં બેઠાં તમારી ચિંતા જરૂર કરવાનો, જેવી રીતે એણે મુહમ્મદ અલીની કરી.
સાયલન્સ પ્લીઝ!
ઘરમાં હું બહુ જ ભલો માણસ છું. પણ મારે દુનિયાને જણાવવું નથી કે હું કેવો છું.
મને ખબર છે કે ભલા માણસોને દુનિયા આગળ આવવા નથી દેતી.
– મુહમ્મદ અલી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો