( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 1 જૂન 2025 )
“આ જગતમાં મૌલિક જેવું કશું હોતું જ નથી. મૌલિકતા એ તો મૂળ સોર્સને છુપાવવાની કળા છે અને અહીંથી ત્યાંથી ઉઠાવીએ એને કંઈ તફડંચી ના કહેવાય.”
જેઓ ઉઠાવગીર છે, એટલે કે જેમને ‘અહીંથી ત્યાંથી ઉઠાવવાની’ આદત પડી ગઈ છે તેઓ આવી દલીલ કરીને પોતાની તફડંચીને જસ્ટિફાય કરતા રહે છે. તેઓ ઘણી વખત ‘પ્રેરણા’ની કન્સેપ્ટને ખોટી રીતે વાપરીને કહેતા હોય છે કે, ‘મને તો ફલાણામાંથી ‘પ્રેરણા’ મળી! હકીકત એ હોય છે કે એમણે ફલાણામાંથી તફડંચી કરી હોય છે – કાં તો બેઠ્ઠી ઉઠાંતરી, કાં પછી ‘થોડું અહીંથી, થોડું ત્યાંથી’ ચોરી કરવાની સ્માર્ટનેસ દેખાડી હોય છે જેથી કોઈ પકડી ન શકે કે આ માલ મૂળ કોનો છે, ક્યાંથી આવ્યો છે.
પ્રેરણા આખી જુદી વસ્તુ છે. કોઈને હરકિસન મહેતાની નવલકથા ‘પીળા રૂમાલની ગાંઠ’ વાંચીને ઠગ અને પીંઢારાઓ વિશેની પિરિયડ નૉવેલ લખવાનું મન થાય તો એ પ્રેરણા થઈ. પણ ‘પીળા રૂમાલની ગાંઠ’ જેવો જ પ્લૉટ બનાવીને, એવાં જ પાત્રો – માહોલ – ભાષા વાપરીને, મૂળમાં જે જે પ્રયુક્તિઓ અને વાર્તામાં વળાંકો છે એ રીતની ગૂંથણી કરીને કોઈ નવલકથા લખી નાખે તો એને પ્રેરણા ન કહેવાય, તફડંચી કહેવાય. અશ્વિની ભટ્ટની છઠ્ઠી કાર્બન કોપી જેવી નવલકથાઓ અને ચંદ્રકાંત બક્ષીની છસોમી કાર્બન કોપી જેવા લેખોનો વેપાર કરનારાઓનો આપણે ત્યાં તોટો નથી.
નાટકો-ફિલ્મોવાળા આવી તફડંચી અનેકવાર કરતા રહે છે. કોઈ ફિલોસોફર કે ચિંતકનું સરસ વાકય ગમી ગયું તો એ ક્વોટેબલ ક્વોટ બદલ મૂળ રચયિતાને ક્રેડિટ આપવાને બદલે તેઓ સંવાદ લખતા હોય છે: ‘મેરી દાદી કહા કરતી થી કી લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.’ અથવા તો પછી: ‘કોઈકે સાચું જ કહ્યું છે કે દિલની વાતોમાં દિલગીરી ન હોય.’ આવી બદમાશી કરતી વખતે તેઓને એરિક સેગલ કે એના વાકયનો સુંદર અનુવાદ કરનાર કવિ ઉદયન ઠક્કર યાદ હોય છે, પણ બીજાની થાળીમાં હાથ મારીને પેટ ભરવાની ઘણા લોકોને જન્મજાત ટેવ પડી ગઈ હોય છે. નાટકસિનેમાવાળાઓ શીર્ષકો ચોરવામાં તો મહા ઉસ્તાદ હોય છે. મારે પણ એક ઘર હોય અને લીલી નસોમાં પાનખર અનુક્રમે વર્ષા અડાલજા અને ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓનાં ટાઇટલ છે. નાટકવાળાઓેએ આ નામનાં નાટકો બજારમાં મૂક્યાં ત્યારે મોટી બબાલ થઈ ગઈ હતી. બેઉ નવલકથાકાર આ લડાઈમાં વિજેતા બન્યા હતા. આજે પણ કેટલાંક નાટકો તફડાવેલાં શીર્ષકથી ચાલે છે.
દસેક વર્ષ પહેલાં અમિતાભ બચ્ચને પોતાના અવાજનો કૉપીરાઈટ લીધો. એમના અવાજની મિમિક્રી કરીને કોઈ વ્યક્તિ જાહેરખબર ઈત્યાદિમાં એનો ઉપયોગ ન કરી શકે. ભારતમાં સંગીતને લગતા કોપીરાઈટના કાયદાઓનું કડક પાલન છેલ્લાં થોડાંક વર્ષોથી થઈ રહ્યું છે. તમે જો કોઈ ઑરકેસ્ટ્રાનો પ્રોગ્રામ કરવા માગતા હો કે તમારા નાટકમાં ફિલ્મનાં ગીતો વગાડવા માગતાં હો તો થિયેટરવાળાઓ તમારી પાસે આગોતરો પરમિશન લેટર માગતા હોય છે. સારું જ છે. બીજાની ક્રિયેટિવિટી પર મલાઈ ખાવાના ધંધા પર અંકુશ આવવો જ જોઈએ.
નાટક-સિનેમા-નવલકથા-કૉલમો વગેરેની દુનિયામાં બેફામ ઉઠાંતરીઓ ચાલતી રહે છે. કોઈ વખત સબ્જેક્ટ ચોરી લેવો, કોઈ વખત પાત્રોની ખૂબી ખાસિયતો ઉઠાવી લેવી, ક્યારેક ચોટદાર વાક્યો – સંવાદો, ક્યારેક મૌલિક નિરીક્ષણો તો ક્યારેક બેઠ્ઠાને બેઠ્ઠા પ્લોટ્સ – સબજેક્ટ્સ. અને પછી માળા બેટાઓ શરીફ બનીને ચાંપલી-વેવલી-વાયડી દલીલ કરે કે એવું છે ને કે આ જગતમાં મૌલિકતા જેવું કશું છે જ નહીં!
કેટલાક સંગીત રસિયાઓને એ શોધી કાઢવામાં પિશાચી આનંદ આવે છે કે હિંદી ફિલ્મના કયા સંગીતકારોએ ક્યાં ક્યાંથી ધૂનો ચોરી છે. હશે, કોઈ કોઈ સંગીતકારની પાંચ-દસ ટકા ધૂનો પ્રાોડ્યુસરોના કહેવાથી કે બીજાં અનેક કારણોસર ઉઠાવેલી હશે. પણ એ સિવાયની ૯૦-૯૫ ટકા મૌલિક ધૂનોનું શું? આવી સદાબહાર મૌલિક ધૂનોને પોતાની ઑરકેસ્ટ્રામાં વગાડીને બે પૈસા કમાઈ લેતા નાના નાના વાદકો – સંગીત શોખીનોએ ઉપકાર માનવો જોઈએ એ સંગીતકારોનો જેમની ક્રિયેટિવિટીને કારણે આજે પોતાનું ગુજરાન ચાલે છે. પણ આવો ઉપકાર માનવાને બદલે આવા ઑરકેસ્ટ્રાવાળા કહેતા ફરે છે કે શંકર-જયકિશને ફલાણી ધૂન અહીંથી ઉઠાવી, સલિલ ચૌધરીએ ત્યાંથી અને આર.ડી. બર્મને ફલાણી જગ્યાએથી. પોતાની તો કોઈ તાકાત છે નહીં કે આ સંગીતકારોએ સર્જેલી બાકીની ૯૦-૯૫ ટકા મૌલિક ધૂનો જેવી કોઈક ધૂન સર્જી શકે. અને બીજાઓની બદબોઈ કરવી છે.
પણ આવી મેન્ટાલિટી ધરાવતા લોકો આજીવન ઑરકેસ્ટ્રાવાળા જ રહે છે, મિમિક્રી આર્ટિસ્ટો જ રહે છે. મૌલિક સર્જન શું કહેવાય એની એમને ખબર જ નથી પડતી. એ કેવી રીતે સર્જાય એની સમજ તો એમની કલ્પના બહારની કન્સેપ્ટ હોય છે.
ફિલ્મોમાં જ નહીં, નાટકોમાં, સાહિત્યમાં, ચિત્રકળામાં, વિજ્ઞાનની શોધખોળોની દુનિયામાં, છાપામાં છપાતી કૉલમોના જગતમાં, ફૅશન ડિઝાઈનિંગના ક્ષેત્રમાં, આર્કિટેક્ચરમાં, પ્રવચનોમાં, ચિંતન – ફિલોસોફીના જગતમાં – દરેક ઠેકાણે તમને આવા મિમિક્રી આર્ટિસ્ટો અને ઑરકેસ્ટ્રાવાળાઓ નજરે પડશે.
એક રીતે સારું છે કે દરેક ક્ષેત્રમાં આવા તફડંચીકારો, ઉઠાવગીરો છે. એ લોકો છે તો મૌલિકતાની કદર થાય છે, રિયલ ઓરિજિનલ સ્ટફની કિંમત થાય છે.
પાન બનારસવાલા
નકલ કરીને સફળ થવા કરતાં મૌલિક સર્જન કરીને નિષ્ફળ થવું વધુ સારું.
– સેમ્યુઅલ જ્હોન્સન
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો