મકર સંક્રાન્ત પહેલાંના દિવસોને કમૂરતાં કેમ કહે છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 15 જાન્યુઆરી 2019)

તમે એક ધંધો શરૂ કર્યો છે. ન ચાલ્યો. ખોટ ખાઈને બંધ કરી દેવાનું વિચારો છો. આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં નવું શું કરવું એવું વિચારવાને બદલે થોડો વખત માટે થંભી જવામાં ડહાપણ છે.

તમારી નોકરી છૂટી ગઈ કે પછી છોડી દીધી. તાત્કાલિક બીજી નોકરી વિશે નિર્ણય કરવો જરા ઉતાવળિયું પગલું ગણાશે.

તમે જેના પ્રેમમાં હતા એ વ્યક્તિને તમે છોડી દીધી કે એ તમને છોડીને જતી રહી છે. તમારા ડિવોર્સ થવાની તૈયારી છે. તમારા સ્પાઉઝનું અકાળે અવસાન થયું છે. આવા સંજોગોમાં નવા પ્રેમી, નવા જીવનસાથી, નવા સ્પાઉઝની તલાશ કરવાને બદલે અથવા કોઈ સામેથી આવે તેનો તરત સ્વીકાર કરી લેવાને બદલે પરિસ્થિતિ થાળે પડે એની રાહ જોવી જોઈએ.

જીવનમાં જ્યારે જ્યારે પરિવર્તનનો ગાળો આવે, સંક્રાન્તનો ગાળો આવે, ત્યારે એ ગાળાને કમૂરતાં ગણીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

એક નાનકડી પર્સનલ વાત. 1985ના જાન્યુઆરીનું પ્રથમ સપ્તાહ. હરકિસન મહેતાએ મારી સૌપ્રથમ નવલકથાને ધારાવાહિક પ્રગટ કરવાનું નક્કી કરી લીધું હતું અને મારે એમને આ નવલકથાનાં થોડાં નામ સજેસ્ટ કરવાનાં હતાં જેમાંથી એ પોતાને ગમતો એક વિકલ્પ પસંદ કરી શકે. હું એક કાગળ પર સાતેક શિર્ષક લખીને ગયો. તે વખતે કાર્ટૂનિસ્ટ નારદ પણ ત્યાં હતા. હરકિસનભાઈએ બધાં નામ વાંચ્યાં. થોડી આમતેમ વાતો કરી અને કોઈ નિર્ણય લીધા વિના મને વિદાય કર્યો.

બેએક અઠવાડિયાં પછી વાચકોમાં મારી પ્રથમ નવલકથાના નામની જાહેરાત થઈ ગઈ એ પછી નારદજી મને મળ્યા ત્યારે એમણે કહ્યું: ‘એ જ દિવસે હરકિસનભાઈએ તેં આપેલાં સાત નામમાંથી ‘વેર-વૈભવ’ શિર્ષક પસંદ કરી લીધું હતું. પણ તમારા ગયા પછી એમણે મને કહ્યું કે છોકરાની પહેલી નવલકથા છે, મકર સંક્રાન્ત આડે આવે છે, એટલે ઉત્તરાયણ પછી ડિક્લેર કરીશું.’

આ નાનકડો પ્રસંગ મારા માટે બહુ મોટી વાત હતી. તથાકથિત સાયન્ટિફિક મિજાજના ઈન્ટલેક્ચ્યુઅલ્સ કહેશે કે મકર સંક્રાન્ત પહેલાં શિર્ષક ડિક્લેર કર્યું હોય કે પછી એની જાહેરાત કરી હોય-નવલકથા તો એની એ જ હતી. આવી અંધશ્રદ્ધા શું કામ?

ભારતીય પરંપરાની આવી અનેક શુકન-અપશુકન કે મુહૂર્ત-કમૂરતની વાતોને આપણા જ દેશના લેફ્ટિસ્ટ મેન્ટાલિટીવાળાઓ ઊતારી પાડીને પોતાને બૌદ્ધિકમાં ખપાવતા રહ્યા છે. અને આપણે પણ જો એમની જેમ ઈન્ટલેક્ચ્યુઅલમાં ગણાવું હશે તો આવી બધી ‘અંધશ્રદ્ધાઓ’થી દૂર થઈ જવું પડશે એવું આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે.

અમાસને અશુભ ગણવામાં આવી હશે એનું કારણ એ હશે કે એ જમાનામાં ઈલેક્ટ્રિસિટી નહોતી. અમાસની રાતના અંધારામાં ગમે એ માણસ ન કરવાં જેવાં કામ કરીને તમારું અહિત કરી શકે. ઉપવાસોનું મહાત્મ્ય આરોગ્ય સાથે સંકળાયેલું હતું-ખાસ કરીને ચોમાસાના દિવસોમાં. સૂર્યગ્રહણ વખતે ઘરની બહાર ન નીકળવાની પરંપરા પાછળનો આશય એ કે કોઈ નરી આંખે સૂર્યગ્રહણ જોઈને પોતાની આંખને નુકસાન ન કરી બેસે. ખગોળશાસ્ત્રની બાબતમાં તેમ જ અનેક વૈજ્ઞાનિક બાબતોમાં આપણો દેશ બાકીની દુનિયા કરતાં ઘણો આગળ હતો. આપણા આ જ્ઞાનવારસાને તફડાવીને પોતાના નામે કરી દેનારાઓને દુનિયા આજે પૂજે છે. આપણા દેશના વામપંથીઓએ પણ આપણને એ તફડંચીકારોની પૂજા કરતાં કરી દીધા છે. દુનિયા જ્યારે તીરઝડપે આગળ વધતી હતી ત્યારે આપણે આપણી બિનઆક્રમકતાની નીતિને કારણે આક્રમણખોરોના ભોગ બન્યા. કોઈ તમારું પાકીટ ઝૂંટવી જાય તો તમારે કોઈ બીજાનું પાકીટ ઝૂંટવીને તમને થયેલું નુકસાન ભરપાઈ થાય એવું કરવાની જરૂર નથી. તમે તમારા પાકીટનું રક્ષણ કરી શકો એટલી તાકાત તમારામાં જરૂર હોવી જોઈએ. એ બાબતમાં આપણે પાઠ લઈને હવે સક્ષમ બન્યા છીએ પણ આપણે બીજાઓની જેમ લોકોને ગુલામ બનાવવાની, સામ્રાજ્યવાદ વિકસાવવાની કે બીજાઓ પર આક્રમણ કરવાની જરૂર નથી. ભારતીય પરંપરાની આગવી બાબતોને સમજીએ, સ્વીકારીએ, જીવનમાં ઊતારીએ. આયુર્વેદ, યોગ, પ્રાણાયામને હજુ હમણાં સુધી દુનિયા સ્વીકારતી નહોતી અને આપણે પણ આપણા દેશના ચંદ લેભાગુ લેફ્ટિસ્ટોથી અંજાઈને ‘આવી જુનવાણી આરોગ્ય વ્યવસ્થામાં અમે માનતા નથી’ એવું કહીને વેસ્ટર્ન મેડિસિન્સમાં ‘શ્રદ્ધા’ રાખીને પોતાની જાતને ‘આધુનિક’માં ખપાવતા હતા-હજુ સુધી. હવે આપણામાં અક્કલ આવી. ધીમે ધીમે બીજી ઘણી બાબતોમાં અક્કલ આવવાની. ગૌમાંસના નામે હિન્દુસમાજની ટીકા કરનારા રાજકીય લેભાગુઓએ મીડિયામાં આવેલા એક અગત્યના સમાચારને સાવ દબાવી દીધા. ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો. વર્લ્ડ ઈકનોમિક ફોરમના વડા એ સ્વિટ્ઝરલેન્ડના ડેવોસ સ્કીઈંગ રિસોર્ટમાં યોજાતી પરિષદમાં ફોરમના તમામ શ્રીમંત દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં હમણાં શું કહ્યું ખબર છે? કહ્યું કે જો આ જગતમાં બીફ (ગૌમાંસ) ન ખાવામાં આવે તો ડાયેટ રિલેટેડ મૃત્યુમાં 2.4 ટકાનો ઘટાડો થઈ જાય એવા સંશોધનને અમે સ્વીકારીએ છીએ અને શ્રીમંત દેશોમાં બીફ ખાવાનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં તો મૃત્યુના દરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થઈ જાય. પ્રોટીન-વિટામિન વગેરે માટે માંસાહાર કરવો અનિવાર્ય નથી-કઠોળ, શાકભાજી-ફ્રૂટ્સ વગેરેમાંથી તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે એવું પણ એમણે કહ્યું છે, જે આપણે સૈકાઓથી કહેતા આવ્યા છીએ.

જે વાતો જે જમાનામાં પ્રસ્તુત હોય એની નિંદા નહીં કરવાની. એમાંની કેટલીક વાતો આજે પણ પ્રસ્તુત હોવાની. એમાંની કેટલીક વાતો આજે પ્રસ્તુત ન પણ હોય તે છતાં એને આપણે આદર આપી શકીએ તેમ જ કોઈને જો હાનિકારક ન હોય તો પરંપરા તથા સંસ્કૃતિના એક ભાગરૂપે અપનાવી પણ શકીએ.

અંગ્રેજોના આવ્યા પહેલાં આપણે ‘ધોતિયાં-લૂંગી વગેરે પહેરતાં. પેન્ટ-શર્ટ એની સરખામણીએ ભારત જેવી આબોહવાવાળા સમશીતોષ્ણ દેશમાં ઈન્ક્ધવીનિયન્ટ છે. જાડું જીન્સ કે કોટ-પાટલૂન-ટાઈ’ તો નરી મૂર્ખામી છે. છતાં એને જો સંસ્કૃતિના નામે અપનાવી શકતા હોઈએ તો આપણી પરંપરાની આજે અપ્રસ્તુત થઈ ગયેલી કોઈક વાતોને કેમ ન અપનાવી શકીએ?

તમને થશે કે મકરસંક્રાન્ત વીતી ગયા પછી આ લેખ મેં કેમ લખ્યો? કારણ એ જ. સંક્રાન્ત આડે આવતી હતી એટલે ન લખ્યો!

આજનો વિચાર

યુ.પી.માં માયાવતી-અખિલેશનું ગઠબંધન: બધી જ જોડીઓ કંઈ સ્વર્ગમાં નથી બનતી. કેટલીક પૃથ્વી પર મોદીના ખૌફથી બનતી હોય છે.

-વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકી: બકા, તું આખો દિવસ ફેસબુક પર ફોરેનની ગોરીઓ સાથે કેમ ચેટિંગ કર્યા કરે છે?

બકો: તને શું લાગે છે કે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવામાં એકલા મોદીનો જ ફાળો છે!

7 COMMENTS

  1. સરસ લેખ. આપણા ૠષી મુનીઓ કેટલા જ્ઞાની હતા તે આપણે આપણા વાર તહેવારે અનુભવ્યું છે. નવી પેઢી પીઝા – પાસ્તા મા ઉછરે છે. મિડીયમ ઈંગ્લીશ ભણે છે.તેથી ગુજરાતી ભાષા વાંચી શકતા નથી અને વડીલો નુ સાંભળવું કોઈને ગમતું નથી. કોઈ આપવાદ હશે.

  2. અમાસ ને અશુભ એટલે માનવામાં આવે છે કે એ દિવસે પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ વધુ હોય છે દરિયા માં પણ ઓટ આવે છે એમ આપણું લોહી પગ તરફ વધુ હોય છે ને મગજ ને પૂરતું લોહી મળવા માં ક્યારેક મુશ્કેલી થાય અને એના કારણે આપણું ધ્યાન કામ તરફ રહેતું નથી અને કોઈ દુર્ઘટના થઈ શકે એટલે મિસ્ત્રી કડીયા અમાસ ના દિવસે કામ કરવાનું ટાળે છે અને બાકીના લોકો મુસાફરી કરવાનું ટાળે છે જેમાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે

  3. સંક્રાતનો બીજો અર્થ કે સંકેત ફક્ત જાન્યુઆરીમા આવતીજ નહી પણ જીવનમાં જયારે જયારે સંકટ સમય પસાર થતો હોય આપણા પાસાં ઉન્ધા પડતો હોય ત્યારે થોડોક સમય પસાર થવા દઇ (કમોરતા વીતવા દઇ) મનોમંથન કરી થોડાક પાછળથી નિર્ણય લઈએ તો સાચો નિર્ણય લેવાવાની શક્યતા વધી જાય છે.

  4. બાળપણથી જ મારી આસપાસના લોકોનું નિરીક્ષણ કરીને મને એ સમજાયું છે કે રૂઢિઓ, રીત-રિવાજો પાળવા ન પાળવાની જેમ જ આ પ્રકારના સાંસ્કૃતિક વારસો ગણી શકાય એવા તથ્યો માનવા ન માનવા કે અનુસરવા ન અનુસરવા પાછળ બધા લોકો એક જ બાબતની અસર નીચે હોય છે – लोग क्या कहेंगे? syndrome… પોતાના પર પ્રભાવ ધરાવનારા લોકો શું કરે છે કે કહે છે એ મુજબ અપનાવવા કે છોડવામાં આગળ વધે છે…

  5. Yes very true..I do believe the same as being a bachelor of Ayurved and Music -vocal , total Indian personality and trying to understand each minute things of our culture n tradition, what you have written ,that many things due to my inquisitive ness my grandmother n grandfather have explained and it’s very true what you have written…we know the effects n medicinal value of Tulsi ,Neem,and many other plants but after their recommendations ,we believe…it is beautiful n nice informative write up..I always like to read your writing skills and enjoy each words..your name is enough to start reading material..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here